• Gujarati News
  • Business
  • The Union Home Ministry Had To Make A Statement Within 12 Hours To Clear Up The Misunderstanding Over The Opening Of Shops.

લોકડાઉન:દુકાનો ખોલવા અંગે ફેલાયેલી ગેરસમજને દૂર કરવા કેન્દ્રિય ગૃહ મંત્રાલયે 12 કલાકમાં ખુલાસો કર્યો

અમદાવાદ4 વર્ષ પેહલા
  • કૉપી લિંક
  • શહેરી વિસ્તારમાં માર્કેટ, માર્કેટ કોમ્પ્લેક્સની દુકાનો ખોલી શકાશે નહિ
  • ઈ-કોમર્સ કંપનીઓ માત્ર જીવન જરૂરી સમાન જ વેચી શકાશે
  • દારૂની દુકાનો પહેલાના ઓર્ડરની જેમ જ બંધ રાખવાની રહેશે

શુક્રવારે મોડી રાત્રે કેન્દ્રના ગૃહ મંત્રાલયે એક ઓર્ડર કરી અને બિન આવશ્યક વસ્તુઓનું વેચાણ કરતી દુકાનોને ખોલવા માટે મંજૂરી આપી હતી. જોકે, આ ઓર્ડરને લઈને વેપારીઓમાં ભારે ગેરસમજ હોઈ આજે શનિવારે સવારે મંત્રાલય દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો અને કઈ પ્રકારના ધંધા રોજગારને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો મારફત એક પ્રેસ રિલીઝ જાહેર કરી મંત્રાલયે ખુલાસો કર્યો હતો કે, શહેરી વિસ્તારમાં સ્ટેન્ડએલોન શોપ, રહેણાંક કોમ્પ્લેક્સની દુકાનો અને રહેણાંક વિસ્તારોની દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જયારે માર્કેટ અને માર્કેટ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોને ખોલવાની મંજૂરી નથી. આ મુજબ શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલમાં જે દુકાનો છે તેને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી.

રૂરલ એરિયામાં દુકાનો ખુલશે પણ મોલ બંધ રહેશે

ગૃહ મંત્રાલયે ચોખવટ કરી છે કે, શોપિંગ મોલમાં આવેલી દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં છૂટક દુકાનોને ખોલી શકાશે. શુક્રવારે જ્યારથી ઓર્ડર કરવામાં આવ્યો છે ત્યારથી જ વેપારીઓમાં મહાનગર પાલિકા અને પાલિકાની હદમાં આવેલી દુકાનો ખોલવા બાબતે ઘણું જ કન્ફ્યુઝન થયું હતું. જેના પગલે આજે સરકારે ખુલાસો કરવો પડ્યો હતો.

ઈ-કોમર્સ અને લિકર શોપ ખોલવા અંગે સ્પષ્ટતા 

કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે, જીવન જરૂરી સમાન વેચવા માટે ઈ-કોમર્સ કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાયનો કોઈ પણ સમાન તેઓ વેચી શકાશે નહિ. તેવી જ રીતે લિકર શોપ (દારૂનું વેચાણ કરતી દુકાનો)ને પણ હાલના સંજોગોએ બંધ રાખવાનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે.

આદેશને લઈને વેપારીઓમાં ભારે મૂંઝવણ હતી

ગૃહમંત્રાલયના નવા આદેશ મુજબ શહેરી ક્ષેત્રોમાં સંબંધિત રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોના શોપ્સ એન્ડ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલી તમામ દુકાનો ખોલી શકાશે . જોકે, આ આદેશને લઈને વેપારીઓમાં ઘણી મૂંઝવણ છે. રાજ્યમાં ઘણી  જગ્યાએ વેપારીઓ પોતાની દુકાન ખોલવા માટે જય રહ્યા છે પરંતુ રસ્તામાં જ પોલીસ તેઓને રોકી અને પરત ફરવા માટે કહી રહી છે.

વેપારી સંગઠનોએ દુકાનો ખોલવા ઉતાવળ ન કરવા કહ્યું
વેપારીઓમાં કેન્દ્રના નિર્ણયને લઇ ને જે મૂંઝવણ છે અને ઘણા સ્થળોએ પોલીસ અને વેપારીઓ વચ્ચે ગેરસમજ પણ થઇ રહી છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે દેશના અને ગુજરાતના વિવિધ વ્યાપારી સંગઠનોએ વેપારીઓને ઉતાવળ ન કરવા જણાવ્યું છે અને કહ્યું છે કે, કેન્દ્રના નિર્ણયને લઇ ને રાજ્ય સરકારો તરફથી જ્યાં સુધી સ્પષ્ટતા કરવામાં ન આવે ત્યાં સુધી દુકાનો ખોલવા માટે ઉતાવળ કરાવી જોઈએ નહિ.