• Gujarati News
  • National
  • LRD Recruitment Controversy: Gujarat Government Canceled The Circular Dated August 1, 2018

LRD ભરતીમાં અનામતનો વિવાદ, 1 ઓગસ્ટ 2018નો પરિપત્ર રદ થશે, લેખિત બાહેંધરી બાદ જ આંદોલનકારી મહિલાઓ પારણા કરશે

4 વર્ષ પેહલા
  • કૉપી લિંક

અમદાવાદઃ LRD ભરતી મામલે થઈ રહેલા વિવાદને કારણે રાજ્ય સરકારે 1-8-18નો પરિપત્ર રદ કરવાની જાહેરાત કરી છે. હવે તેમાં સુધારો કરી નવો પરિપત્ર કરવામાં આવશે. આ મામલે આજે નાયબ મુખ્યમંત્રી સીએમ નિતિન પટેલે OBC, ST, SCના આગેવાનો સાથે મળીને મુલાકાત કરી હતી. તમામ આગેવાનો સાથે મુલાકાત કર્યા બાદ સરકારે LRD અનામતના પરિપત્રમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. આ સિવાય સૈદ્ધાંતિક સુધારો પણ પરિપત્રમાં કરાશે. આ પરિપત્ર રદ કરવાની માંગ સાથે છેલ્લા 64 દિવસથી LRD મહિલા પરીક્ષાર્થીઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન પર ઉતરી છે. તેમને પારણા કરવા માટે અલ્પેશ ઠાકોર, મંત્રી કુંવરજી બાવળિયા, મંત્રી દિલીપ ઠાકોર સહિતના આગેવાનોએ સમજાવી હતી. પરંતુ આંદોલનકારી મહિલાઓ માની નહોતી અને પરિપત્ર રદ કર્યો હોવાની લેખિતમાં બાહેંધરી મળે પછી જ અમે પારણા કરીશું તેમ જણાવ્યું હતું. એક આંદોલનકારી મહિલાએ કહ્યું કે પહેલા નવં મેરિટ લિસ્ટ ઓનલાઈન મુકે તેમજ સરકારે કહ્યું છે કે ત્રણ દિવસમાં સુધારો થઈ જશે તો અમે ત્રણ દિવસ બાદ પારણા કરીશું ત્યાં સુધી પારણા નહીં કરીએ.

વિવાદ ક્યાંથી શરૂ થયો
રાજ્ય દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર ઉતરી છે.

આંદોલનકારી મહિલાઓની માંગ શું હતી 
સરકારી નોકરીઓમાં જનરલ કેટેગરીની મહિલાઓ માટે અનામત રાખેલી બેઠકો પર યોગ્ય ઉમેદવાર ન મળતા ખાલી રહેલી બેઠકો ભરવા અંગે વિવાદ વકરી રહ્યો હતો. આ બેઠકોને જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોથી ભરવાના 1 ઓગસ્ટ 2018ના GADના પરિપત્ર સામે રાજ્યભરમાં વિરોધ થયો હતો. અનામત પરિપત્રનો માલધારી, આદિવાસી, મહિલાઓ, OBC, SC અને ST સમાજના ઉમેદવારોએ વિરોધ કરી મહિલાઓ માટે અનામત રાખેલી ખાલી રહેલી બેઠકો જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોથી નહીં પરંતુ અનામત કેટેગરીની મહિલાઓથી ભરવાની માંગ કરી રહ્યા હતા.

પરિપત્રના મુદ્દા નં. 12 અને 13ની જોગવાઈઓ સામે વિરોધ
1 ઓગસ્ટ 2018ના રોજ કરવા GAD દ્વારા કરવામાં આવેલા આ પરિપત્રના મુદ્દા નં. 12 અને 13ની જોગવાઈઓ અંગે હાલ વિવાદ ઉભો થયો છે. આ પરિપત્ર મુજબ, મેરિટના આધારે અનામતવાળી મહિલા પસંદગી પામે તો તેને અનામતના ક્વોટામાં જ ગણવાનો ઉલ્લેખ છે. જેની સામે આ મહિલાઓ આંદોલન પર ઉતરી છે. 

અન્યાય ન થાય તે માટે પરિપત્રમાં સુધારાઓ કરવાનો નિર્ણય કર્યો: ગૃહ રાજ્યમંત્રી
આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર અનામતની નીતિને સંપૂર્ણ રીતે વરેલી છે. રાજ્ય સરકારની વિવિધ ભરતી પ્રક્રિયાઓ સંદર્ભે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 1 ઓગસ્ટ 2018 પરીપત્ર કરાયો છે તેમાં પણ યુવાઓ-મહિલાઓને કોઇપણ જાતનો અન્યાય ન થાય તે માટે જરૂરી સુધારાઓ કરવાનો પણ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. 

મહિલાઓએ આંદોલન સમેટી લેવું જોઇએઃ ગૃહ રાજ્યમંત્રી
ગૃહરાજ્ય મંત્રીએ ઉમેર્યું કે રાજ્ય સરકારની વિવિધ ભરતી પ્રક્રિયા સંદર્ભે 1 ઓગસ્ટ 2018ના રોજ કરવામાં આવેલા પરીપત્રના અમલમાં થયેલ વિસંગતતાને પરીણામે SC, ST અને OBCમાં અનામત અને બિન અનામત વર્ગની વિસંગતતાઓ માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પટેલને ભાજપના અગ્રણીઓ અને પરીક્ષા સંલગ્ન મહિલા ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કોઇપણ ઉમેદવારોને અનામત સંદર્ભે કોઇ જાતનું નુકશાન ન થાય તેની સંપૂર્ણ ખાતરી આપી છે, ત્યારે મહિલાઓએ પોતાનું આંદોલન સમેટી લેવું જોઇએ.

‘વિવિધ રાજ્યોની હાઈકોર્ટ ચુકાદાઓનો અભ્યાસ કરી પરિપત્રમાં સુધારો કરાશે’
ગૃહરાજ્ય મંત્રી મુજબ, મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ત્રણ દિવસ અગાઉ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે અનામત અંગે દેશની જુદી-જુદી હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદા અને જુદા-જુદા રાજ્યોમાં તેનું અમલીકરણ કરવાની પ્રક્રિયાના સંદર્ભમાં સર્વગ્રાહી અભ્યાસ કરીને આ ઉકેલ લાવવામાં આવશે. આ અંગે આજે રાજ્ય સરકારના મંત્રી મંડળના સભ્યો, સાંસદો તથા ધારાસભ્યઓએ રજૂઆત કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ આ પ્રતિનિધિ મંડળને ખાતરી આપી હતી કે આ અંગેનો અન્યાય નિવારવા માટે રાજ્ય સરકાર વિવિધ રાજ્યોની વડી અદાલતોએ તેમના રાજ્યોમાં અનામતના સંદર્ભમાં આપેલા ચુકાદાઓનો સર્વગ્રાહી અભ્યાસ કરી યોગ્ય નિર્ણય કરી સુધારા વાળો પરીપત્ર બહાર પાડી વિસંગતતા દૂર કરશે. આ બાબત ધ્યાને રાખીને ગુણવત્તાના આધાર પર મહિલાઓને અન્યાય ન થાય તે માટે સરકાર દ્વારા જરૂરી સુધારા વધારા કરવામાં આવશે.બિન અનામત વર્ગના અધિકારોનું પણ અમે રક્ષણ કરીશું.
શું છે સમગ્ર મામલો
1 ઓગસ્ટ, 2018નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે લગભગ 64 દિવસથી 100થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરી રહી છે. બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડી હતી અને જીઆર રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું. પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી સર્જાઈ હતી કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે.

સરકારને ત્રીજીવાર નમતું જોખવું પડ્યું
રાજ્યની સરકારી ભરતીઓમાં સરકારના નીતિ- નિયમોને લઇને સતત વિવાદ સર્જાતો રહ્યો છે. અગાઉ બિન સચિવાલય ક્લાર્કની ભરતીમાં પરીક્ષાના તબક્કે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાતા ભારે વિરોધ થયો હતો અને સરકારે નમતું જોખીને લાયકાત યથાવત્ રાખવી પડી હતી. ત્યારબાદ આ જ ભરતીમાં ગેરરીતિને લઇને આંદોલન થયા હતા અને સરકારે એસઆઇટીની રચના કરી તપાસ કરાવતા ગેરરીતિ જણાઇ આવી હતી. છેવટે નમતુ જોખીને ભરતી રદ કરવાની ફરજ પડી હતી. હવે ફરી એકવાર એલઆરડી ભરતીમાં મહિલા અનામતને લઇને થઇ રહેલા આંદોલન સામે રૂપાણી સરકારને નમતું જોખવું પડ્યું છે.