• Gujarati News
  • National
  • Gseb Decision: 1952 To Till Now Duplicate Marksheet Of Std 10 12 Will Be Get At Home

ધો.10-12ની ડુપ્લીકેટ માર્કશીટ માટે ગાંધીનગરનો ધક્કો નહીં ખાવો પડે, 1952થી અત્યાર સુધીના ડોક્યુમેન્ટ ઘરે બેઠા મળશે

4 વર્ષ પેહલા
  • કૉપી લિંક
ડિજિટલાઈઝેશન સેવાનો શુભારંભ કરાવી રહેલા શિક્ષણમંત્રી - Divya Bhaskar
ડિજિટલાઈઝેશન સેવાનો શુભારંભ કરાવી રહેલા શિક્ષણમંત્રી
  • શિક્ષણ બોર્ડે શરૂ કરેલી આ સેવાનો શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડસામાએ શુભારંભ કરાવ્યો

અમદાવાદઃ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ઉપરાતં ઓલ્ડ એસ.એસ.સીના વિદ્યાર્થી અને અરજદારો હવે માત્ર ઓનલાઈન અરજી કરીને ડુપ્લીકેટ માર્કશીટ, પ્રમાણપત્ર, માઈગ્રેશન તથા સમકક્ષતા પ્રમાણપત્ર મેળવી શકશે. આમ હવે વિદ્યાર્થીઓએ ડુપ્લીકેટ માર્કશીટ માટે ગાંધીનગરના ધક્કા ખાવા પડશે નહીં. અરજદારે ઓનલાઈન કરેલી અરજી ચકાસીને જે ડોક્યુમેન્ટ માંગ્યું હોય તે ત્રણ દિવસમાં વિદ્યાર્થીના સરનામા પર પોસ્ટ કરવામાં આવશે. આમ અઠવાડીયામાં ઘરે બેઠા મળી જશે.

4 કરોડ 19 લાખથી વધુ વિદ્યાર્થીઓના પરિણામ ડિજિટલાઈઝેશન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શરૂ કરેલી આ સેવાનો શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડસામાએ શુભારંભ કરાવ્યો હતો. આ ડિજિટલાઈઝેશન અંતર્ગત શિક્ષણ બોર્ડ 1952થી 1975 સુધી ધો.11 એટલે કે ઓલ્ડ SSC અને વર્ષ 1976થી ધો.10, 1978થી ધો.12 અને અત્યાર સુધીમાં 4 કરોડ 19 લાખથી વધુ વિદ્યાર્થીઓના પરિણામ રેકોર્ડમાં રાખવા માટે 40 લાખ 69 હજાર 455 પેજનું ડિજિટલાઈઝેશન કરવામાં આવ્યું છે. આ ડેટા તૈયાર થઈ જતા હવે વિદ્યાર્થીઓને ઘરે બેઠા ધો.10 અને 12ની માર્કશીટ, પ્રમાણપત્ર અને માઈગ્રેશન સર્ટિફિકેટ મળી શકશે.

વાર્ષિક 50 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓનો આવવા-જવાનો ખર્ચ બચી જશે 
ડુપ્લીકેટ માર્કશીટ અને પ્રમાણપત્ર મેળવવા માટે વિદ્યાર્થીઓએ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી એપ અથવા તો વેબસાઈટ પર અરજી કરવી પડશે. આ અરજી ચકાસીને જે ડોક્યુમેન્ટ માંગ્યું હોય તે ત્રણ દિવસમાં વિદ્યાર્થીના સરનામા પર પોસ્ટ કરવામાં આવશે. જેને કારણે વાર્ષિક અંદાજે 50 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને જરૂરી દસ્તાવેજ મેળવવા માટેનો આવવા અને જવાનો ખર્ચ તથા સમય બચી જશે.

દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને રાહત
શિક્ષણ બોર્ડ દ્વારા દરવર્ષે સરેરાશ 50 હજાર જેટલી ડુપ્લિકેટ માર્કશીટ ઈશ્યૂ કરવામાં આવતી હોય છે. જેમાં દૂરના જિલ્લાઓમાંથી પણ અનેક વિદ્યાર્થીઓ માર્કશીટ લેવા માટે ગાંધીનગર સુધી આવતા હોય છે. ઘણા કિસ્સામાં માત્ર વિદ્યાર્થી જ નહીં તેની સાથે વાલીઓ પણ ગાંધીનગર સુધી લાંબા થતાં હોય છે. આ સંજોગોમાં તેમનું બસનું ભાડું તથા અન્ય ખર્ચાઓ થતાં હોય છે અને બોર્ડની કચેરી સુધી પણ લાંબુ થવું પડતું હતું. પરંતુ હવે નવી સિસ્ટમ અમલામં આવ્યા બાદ આ વિદ્યાર્થીઓને રાહત થશે.