નિર્ણય:રાજ્ય સરકાર સતત ત્રીજા મહિને પણ ગરીબોને મફત અનાજ આપશે, 15 જૂનથી વિતરણ શરૂ

અમદાવાદ4 વર્ષ પેહલા
  • કૉપી લિંક

રાજ્યમાં કોવિડ 19ની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ રાજ્ય સરકારે સતત ત્રીજીવાર વિના મૂલ્યે અનાજ વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. NFSA હેઠળ સમાવિષ્ટ થયેલા 68.71 લાખ રેશન કાર્ડધારકોને સતત ત્રીજીવાર જૂન મહિનામાં પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત 15 જૂનથી રાજ્યમાં અનાજ વિતરણનો પ્રારંભ થશે. જેમાં ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનું 17 હજારથી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ શરૂ થશે. જ્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે પણ જૂન મહિનામાં વ્યક્તિ દીઠ 3.50 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા અને પરિવારદિઠ 1 કિલો ચણા વિનામૂલ્યે અપાશે. 

આ અગાઉ રાજ્ય સરકારે એપ્રિલમાં લોકડાઉનની સ્થિતી દરમ્યાન NFSA 68 લાખ પરિવારોને રૂ. 802 કરોડની બજાર કિંમતનું 36.18 લાખ ક્વિન્ટલ અનાજ તથા મે મહિનામાં 36.18 લાખ ક્વિન્ટલ અનાજનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. હવે સતત ત્રીજીવાર જૂન મહિના માટે પણ 68 લાખથી વધુ NFSA પરિવારોને 15 જૂનથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે. આમ 36.87 લાખ ક્વિન્ટલ અનાજ રાજ્ય સરકાર અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિતરણ કરાશે.